સંત શ્રી ફકડાનાથ ની જગ્યા ઝમરાળા
ઝમરાળા બોટાદ

By Digital Botad Team | 30 October 2024 09:02 PM

ઝમરાળા બોટાદ તાલુકામાં આવેલું છે. જે બોટાદ થી ૨૫ કિ.મી. દૂર છે. ઝમરાળા ની નજીક સમઢીયાળા નં. ૨, કેરીયા નં. ૨, કારીયાણી, વજેલી, પાણવી વગેરે ગામો આવેલા છે. ઝમરાળા ધાર્મિક ભૂમિ છે. ઝમરાળા ની ધરતી સિધ્ધ યોગી ફકડાનાથ થી ઓળખાય છે. આ સિધ્ધ યોગી એ સૌરાષ્ટ્રની સંત પરંપરા ને આગળ વધારતા મહંતો લાલ મહારાજ, જલારામ બાપા, વિસામણ બાપા વગેરે સંતોની પરંપરા ને વધારી હતી. ફકડાનાથ લોક સમુદાયની નજીક રહયા. અને સમાજ માં ઉચ્ચ ધાર્મિક ભાવના વહેતી કરી હતી. ફકડાનાથ ના ત્યાગ, ભકિતભાવ, દયા, વૈરાગ્ય અને આદર્શ રૂપી જીવન દ્વારા સમાજ ઉપયોગી યોગી બન્યાં હતાં. ફકડાનાથ મૂળે મારવાડના કેતકી ગામના પિતા સરદારસિંહ, ખેતીવાડીના વ્યવસાયમાં જોડાયા હતા. સરદારસિંહ ના બે પુત્રો ફતેસિંહ અને નાથુજી. આ પરિવાર ભકિત પરાયણ વાળું હતું. બાળપણથી જ ફતેસિંહ વૈરાગ્યવૃતિવાળા હતા. સાંસારીક મોહમાયા ના બંધનોથી મુકત હતા. બાળપણ માં જ તેમના પિતાનું અવસાન થયું. અને માતા એ તેમને બાળપણથી જ ભકિતમય જ્ઞાન આપ્યું હતું. આથી ફતેસિંહના વૈરાગ્યમાં વધારો થયો હતો. ફતેસિંહ તેમના ભાઈ અને માતા તીર્થાટ ને આવ્યા હતા. આમ આ પરિવાર કાશી, અયોધ્યા થઈ સિધ્ધપુર, ડાકોર, અને સૌરાષ્ટ્ર તરફ આવ્યા હતા. ભીમનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા. ત્યાંથી આ પરિવાર ધંધુકા ના રંગપુર ના રામગર સ્વામી ના દર્શને આવ્યા હતા. ફતેસિંહ અને નાથુજી એ રામગર સ્વામી ની અખંડ સેવા કરી અને તેની ફલશ્રુતિ એ સ્વામી એ તેમને ગુરૂમંત્ર આપ્યો હતો. રામગર સ્વામી એ તેમના નામ સદારામ અને સેવાદાસ રાખ્યા હતા. ગુરુ એ આજ્ઞા આપી હતી કે સૂર્યઅસ્ત થાય ત્યાં બેસી રહેવું. ગુરૂઆદેશનું પાલન કરતા બંને ભાઈઓ ચાલતા ચાલતા બરવાળામાં આરામ કર્યા અને ઝમરાળા ગામની નજીક આવતા સૂર્યઅસ્ત થયો. નદીની વચ્ચે આસન લગાવ્યું. ગુરુમંત્ર થી સિધ્ધી મેળવી અને ફકડાનાથ તરીકે સિધ્ધ થયાં. ફકડાનાથ જે જગ્યા પર બેઠા હતા તે જગ્યા પર હાલ મંદિર છે. હાલ હકડાનાથની જગ્યામાં હનુમાનજીનું મંદિર, નાથનો ધૂણો, ચીપીયો વગેરે પ્રસાદીની વસ્તુઓ છે. જગ્યામાં ફકડાનાથની સમાધી સ્થળ છે. આ જગ્યામાં ફકડાનાથની અંત પરંપરા ને ઉજાગર કરવા તેમના શિષ્ય લાલદાસજી બાપુ, તેમના શિષ્ય નારાયણદાસજી જગ્યાનો વહીવટ કરે છે. આ ઉપરાંત, સુખરામજીબાપુ, ગરીબદાસજીબાપુ, બટુક સ્વામી, કરશનદાસ બાપુ વગેરે મહંતો આ જગ્યામાં થયાં. હાલ જયદેવદાસ બાપુ આ જગ્યાની પરંપરા સંભાળી રહયા છે. ફકડાનાથે વિક્રમ સંવત ૧૯૦૯ ના શ્રાવણ વદ - ૮ ના દિવસે સમાધી લીધી હતી. જેમ ફકડાનાથ રામગર સ્વામી ના શિષ્ય હતા તેમ ફકડાનાથ પ્રત્યે કાનજી ભગત ની અનન્ય ભક્તિ હતી. ફકડાનાથ સિધ્ધ યોગી હતાં. અને છેલ્લો પરચો કાનજી ભગત ને આપ્યો હતો. લોકજીભે ફકડાનાથ ના અનેક પરચાઓ ઝમરાળામાં મોજુદ છે. ફકડાનાથે આ જગ્યામાં જે ભકિત, સેવાભાવ અને દુખિયાના દુઃખ દૂર કરવા વગેરે સુવાસ ફેલાવી હતી. તેની કિર્તી આજેય ચારેય કોર ફેલાઈ છે. ફકડાનાથ ની જગ્યા હાલ અનેક માનવ સેવા અને ભકિત પરાયણ ધાર્મિક કાર્યો કરે છે. જગ્યા દ્વારા સંચાલિત ગૌશાળા, સદાચારની પરંપરા, છાશ વિતરણ, રાહત કાર્યો, મેડિકલ કેમ્પ, વિદ્યાર્થીઓને રહેવા – જમવાની સુવિધા વગેરે કાર્યો થાય છે. ફકડાનાથ ની જગ્યાનું મહાત્મ અનન્ય છે. હાલમાં પણ ગાય, ભેંસ દોહવા ન દે તો, ઢોર માંદા હોય તો, જગ્યામાં રોટલાનો ટુકડો આપવામાં આવે છે. જેથી ઢોર પૂર્ણ સ્વસ્થ થાય છે. આજુ બાજુ ગામ લોકો આજેય પણ પોતાના ઢોરનું પહેલું દૂધ જગ્યા ને ધરાવે છે. એટલે જ આ ફકડાનાથ ની જગ્યા વિશે લોકો કહે છે, 'ફકડાનાથ હૈ તો ફિકર નહિ'. આમ ફકડાનાથ સિધ્ધયોગ ની જગ્યાને લીધે ઝમરાળા ગામનું ધાર્મિક મહત્વ રહેલું છે.

Open Google Map

Posted By

Digital Botad Team

See this Page in :

App Logo
Digital Botad (ડિજિટલ બોટાદ) App 33% faster on App
Open
Browser Logo
Browser